વાહ...... ગુરૂજી.!!!!!!!!
શુ આપણે એવી કલ્પનાની શાળા વિશે વિચારી શકીએ કે, “ દિશાઓ જેની દિવાલો હોય, ગગન જેની છત હોય, કુદરતી પવન તેનુ એર કંડિશનર હોય.બાળક સુધી પહોંચવા માટે રોજ પોતાની જાતને કોલંબસ તરીકે કેળવવી પડતી હોય” !!.આજે તમને એક એવા ગુરૂજી સાથે મળાવવા જઇ રહ્યો છુ જેઓએ શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત રાખવા પોતાની જાત પ્રગટાવી સુગંધ પમરાવી છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ અને સીમ વિસ્તારની શાળા એટલે ઓઢવપુરા પ્રાથમિક શાળા. આ શાળામાં આજથી 20 વર્ષ અગાઉ મોટી શાળા,વિશાળ મકાન અને વધારે સ્ટાફની કલ્પનાઓ સાથે મિનાબેન વાલજીભાઇ મકવાણા નામના ગુરૂજીનો શિક્ષક તરીકે શાળા પ્રવેશ થયો. શાળા સુધી પહોંચવાનું કોઇ સરનામુ ન હતુ. શાળાના મકાન એટલે જૂદા જૂદા ખેતરોમાં આવેલ ઘટાદાર વ્રુક્ષો. અને અહીંજ ગુરૂજીની પાઠશાળા શરૂ થાય.શાળામાં વિધ્યાભ્યાસ અર્થે પાટણના ગૌરવ સમા પટ્ટણી સમાજના બાળકો આવે. આપણે સૌ જાણિએ છીએ કે આ સમાજ મોટે ભાગે ખેતમજૂર તથા જમીન સાથે જોડાયેલ સમાજ છે.
"શાળા કે બાળકના ઘર સુધી પહોંચવા માટે અત્યારે પણ ૨ કિલોમીટર જેટલો કાચો ખેતરમાર્ગે જવુ પડે. જ્યાં કોઇ પણ મોબાઇલ કંપનીની ટાવરની અને વીજળીની પર્યાપ્ત ફિકવન્સી નથી પણ શિક્ષકના હ્રુદયના તરંગો દરરોજ બાળકોને જોડે છે. "
લગભગ બે વર્ષ જેટલા કોરોનાના સમયગાળા દરમિયાન ધોરણ 1 થી 5ના બાળકો માટે શાળાનુ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય થઈ શકે તેમ ન હતુ. આ સમયે ઘણી જગ્યાએ શેરી શાળાઓ પણ શરૂ થઇ. પણ સૌથી મોટી કમનસિબિ બાળકોને મધ્યાહન ભોજનની હતી. સરકારશ્રી દ્વારા ફૂડ સિક્યોરીટીનો પ્રસંશનિય માનવીય પ્રયત્ન થયો પણ આ એવા બાળકો હતા જેમની ભૂખ તેમના પાલકો મજૂરી કરીને આવે અને કંઇક રંધાય ત્યારે પૂરી થાય. આવા વખતે શેરી શિક્ષણ કાર્ય દરમિયાન પણ મિનાબેન જેવા ગુરૂજીઓએ ન માત્ર બાળકોના શિક્ષણની ભૂખ પણ તેમની પેટની ભૂખ સંતોષાય તે માટેના પણ તેમણે પ્રયત્નો કર્યા.
શાળાઓમા શિક્ષકદિનના દિવસે દિકરીઓ સાડી પહેરી મેડમ બનાવા તત્પર હોય છે. અરે શિક્ષક હોવુ એટલુ બધુ ગૌરવપ્રદ છે કે, “ અત્યારે નાના બાળકોની પ્રીય રમતમાં ‘ટીચર-ટીચર રમવાની રમત’ પણ મોખરેના સ્થાનમાં છે.” મિનાબેનના પરિવારમાં કોઇ શિક્ષક્ના વ્યવસાય સાથે જોડાયેલ ન હોવા છ્તાં તેમને બાળપણથી જ શિક્ષક બનવાની ખેવના હતી.
ગુરૂજીએ દિવ્યાંગ બાળકોની શિક્ષણ પધ્ધતિ, જેન્ડર એજ્યુકેશન , બાળગીત, બાળવાર્તા ,આનંદદાયી શિક્ષણના તજજ્ઞ તરીકે તેમણે ખૂબ ઊંડું ખેડાણ કરેલ છે.
ગુરૂજીની નાની પણ મનોરમ્ય શાળાને નિહાળવા પાટણ જિલ્લાના પ્રાચાર્યા ડો.પી.આર.રાવલ મેડમે પણ મુલાકાત લઈ ગુરૂજીના કામને બિરદાવેલ છે.
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મિનાબેન જેવા ગુરૂજીઓની જ્ઞાન સરિતા વડે હજારો બાળકોના જીવનમાં નવી ચેતનાઓ પાંગરતી રહે છે. જ્યારે પણ આવા ગુરૂજીઓના કાર્યો વિશે નજીકથી જોવાનો કે માણવાનો અવસર મળે છે ત્યારે ચોક્કસથી કહેવાઇ જવાય છે વાહ...... ગુરૂજી!!!!!!
સંકલન:- મૌલિક પટેલ
No comments:
Post a Comment